મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સતત 23 વર્ષ દરમ્યાન સતત બિનહરીફ થતી હતી.પરંતુ ચૂંટણી બાદ ચાલુ વર્ષે ખેડૂત વિભાગની 10 બેઠકમાં 12 ઉમેદવારો ચૂંટણીજંગમાં રહેતા આગામી તા.11મીએ મતદાન યોજાશે.જ્યારે વેપારી વિભાગની 4 અને ખરીદવેચાણ વિભાગની 2 મળીને 6 બેઠકો ઉપર ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.આમ એપીએમસીની ચૂ઼ટણીમાં ભાજપે ખેડૂત અને વેપારી પેનલમાં જાહેર કરેલા ઉમેદવારોમાં મહેસાણા અને બહુચરાજી વિધાનસભા વિસ્તારમાંથી 7 -7 ઉમેદવારોની ગોઠવણ કરીને એક રીતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઇ પટેલ બંન્નેને સાચવી લીધા છે.પરંતુ ખેડૂત વિભાગમાં ભાજપના બિનહરીફ ચૂંટણી કરવાના છેલ્લી ઘડી સુધીના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.મહેસાણા એપીએમસીની છેલ્લે વર્ષ 1997માં ચૂંટણી યોજાઇ હતી.ત્યારપછી 24 વર્ષે વર્ષ 2022માં ચૂંટણીમાં મતદાન યોજાશે.જે ચૂંટણીમાં ત્રણ વિભાગની 16 બેઠકો પૈકી ખરીદવેચાણ વિભાગમાં 2 ઉમેદવાર રહેતા અગાઉની આ બંન્ને બેઠકો બિનહરીફ થઇ હતી.જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠક અને વેપારી વિભાગની 4 બેઠક મળીને 14 બેઠક માટે ભાજપ પેનલના નામો ઉમેદવારી પરત ખેચવાના અંતિમ દિવસે સવારે જિલ્લા ભાજપ અધ્યક્ષ જશુભાઇ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં ખેડૂત વિભાગમાં ભાજપ પેનલના 10 ઉમેદવારો ઉપરાંત પીલુદરાના બાબુભાઇ અંબારામદાસ પટેલ અને ખેરવાના રામાભાઇ શીવાભાઇ પટેલ ચૂંટણી જંગમાં છે.જ્યારે ચૂંટણી તંત્રમાં વેપારી વિભાગમાં 4 બેઠક સામે 11 ફોર્મ ભરાયેલા હોઇ સાત ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં વેપારી વિભાગની તમામ 4 બેઠક બિનહરીફ થઇ હતી.જ્યારે ખેડૂત વિભાગની 10 બેઠક સામે 43 ઉમેદવારો પૈકી 31 ઉમેદવારોએ ફોર્મ પરત ખેચી લીધા હતા અને ઉમેદવારી પરત ખેચવાની અવધીના અંતે 12 ઉમેદવારો રહેતાં ખેડૂત વિભાગ માટે આગામી તા.11મીએ માર્કેટયાર્ડ ખાતે સવારે 9 થી સાંજે 5 દરમ્યાન મતદાન યોજાશે.જેમાં 12 ઉમેદવારોનું ભાવિ મતદારો નક્કી કરશે.એપીએમસીની ચૂંટણીમાં ગત ટર્મના ચેરમેન ખોડાભાઇ પટેલ અને વાઇસ ચેરમેન ડી.એમ.પટેલને ભાજપે જાહેર કરેલ ઉમેદવાર યાદીમાં સ્થાન મળ્યું નથી. ગત ટર્મના 16 ડિરેક્ટરમાંથી 3ને ચૂંટણીમાં ભાજપે રિપીટ કર્યા છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved