કોરોના સંક્રમણ અને ઓમિક્રોનના ભય વચ્ચે રાજ્ય સરકારે ધોરણ-9 થી ધોરણ-12ની વાર્ષિક પરીક્ષા તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓની તારીખ પાછળ કરી છે. રાજ્યમાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ-9 થી ધોરણ-11ની પરીક્ષાઓ બે સપ્તાહ સુધી પાછળ લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં વિભાગના નિર્ણય પ્રમાણે ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાઓ 14મી માર્ચની જગ્યાએ આગામી 28મી માર્ચથી શરૂ કરવામાં આવશે. આ નિર્ણયના કારણે 32 લાખ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવાનો સાનુકૂળ સમય મળશે.આ સિવાય પ્રિલીમ અને દ્વિતીય પરીક્ષા 27મી જાન્યુઆરીના બદલે 10મી ફેબ્રુઆરી કરવામાં આવી છે. બોર્ડના વિષયોની સૈદ્ધાતિક પરીક્ષા 9મી ફેબ્રુઆરીના સ્થાને 24મી ફેબ્રુઆરીએ લેવાશે. જ્યારે ધોરણ-12ના વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા 14મી ફેબ્રુઆરીના સ્થાને 2 માર્ચથી લેવાશે, જ્યારે ઉનાળુ વેકેશન 2 મે થી 5 જૂનના બદલે 9 મી મે થી 12મી જૂન સુધી રહેશે અને નવું શૈક્ષણિક સત્ર 13મી જૂનથી શરૂ થશે. આ સિવાય ધોરણ-9 થી 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષાઓ 11મી એપ્રિલથી શરૂ થવાની હતી તે 21મી એપ્રિલથી શરૂ કરાશે,જે આગામી 30મી એપ્રિલ સુધી ચાલશે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved