લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ડિગ્રી-ડિપ્લોમા અને ઈજનેરી સહિતના ટેકનિકલ કોર્સીસને રીસ્ટ્રકચર કરવામાં આવશે

સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજો તેમજ સરકારી પોલીટેકનિકો ખાતે ચાલતા અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ અને વર્તમાન જરૂરીયાત મુજબ ફેરફાર કરવા તેમજ કોર્સીસને રીસ્ટ્રકચર કરવા માટે સરકારે તૈયારી શરૂ કરી છે.જેને લઈને સરકારની સૂચનાથી ટેકનિકલ શિક્ષણ વિભાગ દ્વારા ડિગ્રી-ડિપ્લોમા,ઈજનેરી સહિતના ટેકનિકલ કોર્સીસ રીસ્ટ્રકચર કરવા માટે કમિટીઓની રચના કરવામા આવી છે. આમ ટેકનિકલ કોલેજોની શિક્ષણમંત્રી સાથે મળેલી બેઠકમાં કોર્સીસમાં ફેરફાર અને વિદ્યાર્થીઓના પ્રવેશ તેમજ ખાલી રહેતી બેઠકો સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામા આવી હતી. જેને લઈ સરકારે આગામી શૈક્ષણિક વર્ષમાં નવા કોર્સીસ શરૂ કરવાથી માંડી કોર્સીસમાં ફેરફાર કરવા માટે એક રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપી છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે ટેકનિકલ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા ડિગ્રી-ડિપ્લોમા કોલેજોના અધ્યાપકો અને વિષય નિષ્ણાંતોની કોર કમિટી સહિત ત્રણ કમિટીની રચના કરવામા આવી છે.જેમા સરકારી ટેકનિકલ કોલેજોના કોર્સીસના રીસ્ટ્રકચરિંગ માટે 12 સભ્યોની કોર કમિટી રચવામા આવી છે. આ કમિટીમાં ભાવનગર સરકારી ડિગ્રી ઈજનેરી કોલેજના આચાર્ય ચેરમેન છે અને બાકીના ત્રણ સબ્જેકટ એક્સપર્ટ છે,જેઓ ત્રણ સરકારી કોલેજોના આચાર્ય છે. આ ઉપરાંત જીટીયુ અને ડીટીઈના એક-એક અધિકારી સભ્ય છે. તેમજ અન્ય બે બહારના સબ્જેક્ટ એકસપર્ટ તેમજ ડિગ્રી-ડિપ્લોમા પ્રવેશ સમિતિના ત્રણ અધિકારીઓ પ્રવેશના આંકડા સહિતનો ડેટા આપવા માટે કમિટીમાં મુકવામા આવ્યા છે.સરકારી ઈજનેરી કોલેજોના કોર્સીસ રીસ્ટ્રકચર કરવા માટે 9 સભ્યોની અને સરકારી પોલિટેકનિકોના કોર્સીસ રીસ્ટ્રકચર કરવા માટે 13 સભ્યોની કમિટી રચવામા આવી છે.એઆઈસીટીઈના વર્તમાન નિયમો મુજબ સરકારી ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરીના કયા કોર્સીસમાં-કઈ બ્રાંચના કોર્સમાં ફેરફાર કરવો અને કયા પ્રકારના નવા અભ્યાસક્રમો શરૂ કરવા તેમજ વર્તમાન ટેકનોલોજી અને ઈન્ડસ્ટ્રીની જરૂરીયાત પ્રમાણે કેવા પ્રકારના કોર્સ તૈયાર કરવા તે બાબતો અંગે કમિટીઓ રિપોર્ટ તૈયાર કરશે.આગામી શૈક્ષણિક વર્ષ માટે ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી કોલેજોના કોર્સીસમાં મહત્વના ફેરફાર થશે.